Sunday, 31 July 2011

પવિત્ર શ્રાવણ માસની ઉપાસના આ રીતે કરશો તો ફળશે

 
 
- ૧૦૮ વખત ‘ઓમ્ નમ: શિવાય’નું ઉચ્ચારણ કરી શિવલિંગ ઉપર જળાભિષેક કરવાથી શિવકૃપા પ્રાપ્ત થાય છે
- મહાભારતમાં કહેવાયું છે કે જે ધર્મ પરાયણ છે, તેને સંકટનો સામનો કરવો પડતો નથી


તા. ૩૧મી જુલાઇ, રવિવારથી પરમ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. હિંદુ ચાતુમૉસ અને સંન્યાસીઓના ચતુર્પક્ષ અંતર્ગત આવતા શ્રાવણ માસનું મહત્વ ખૂબ જ વિશિષ્ટ છે. આ સમય ધર્મ-કાર્યો માટે એકદમ ઉત્તમ માનવામાં આવ્યો છે. ખાસ કરીને આધ્યાત્મિક ઉન્નતિની સાથે લૌકિક-શારીરિક પ્રગતિ માટે પણ આ સમય શ્રેષ્ઠ છે.

મહાભારતમાં તો ધર્મની મહત્તા સમજાવતા વન પર્વ ૨૧૩.૩૦માં જણાવાયું છે કે જે ધર્મ-પરાયણ છે, તેને ક્યારેય સંકટ આવતા નથી. માટે પવિત્ર એવા શ્રાવણ માસમાં શિવ પૂજનનું ખાસ મહત્વ છે. આજના ઝડપી યુગમાં સમયની અનુકૂળતા ઓછી હોય ત્યારે શિવજીની કૃપા મેળવવા માટે ૧૦૮ વખત ‘ઓમ્ નમ: શિવાય’નું ઉચ્ચાર કરીને શિવલિંગ ઉપર જળાભિષેક કરી શકાય છે. સાથે જ યથાશક્તિ બિલપિત્ર ચઢાવી શકાય છે.

શ્રાવણ માસમાં દરરોજ શિવ મહિમ્ન સ્તોત્રનું પઠન પણ ઉત્તમ મનાયું છે. જ્યારે આ માસ અંતર્ગત યથા શક્તિ લઘુરુદ્ર, મહારુદ્ર અથવા અતિરુદ્ર પાઠ કરાવવાથી પણ મહાદેવજીની કૃપા મળે છે. આખા માસ દરમિયાન સ્નાનાદિથી સંપન્ન થઇને પૂજા સ્થાને અથવા શિવાલયમાં બેસીને ‘મહામૃત્યુંજય મંત્ર’નો જાપ કરવાથી પણ શિવજીની કૃપા થવાથી નિરામય આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને બાધા-મુશ્કેલીમાં પણ રાહત મળે છે.

શ્રાવણ માસમાં આવતા સોમવારનું મહત્વ અતિવિશિષ્ટ છે. આ દિવસે ષોડષોપચાર પૂજન પણ કરવામાં આવતું હોય છે. આ દિવસે વિદ્વાનો પાસે રુદ્રાભિષેક પણ કરાવી શકાય છે. આ દિવસોમાં પૂજા-ઉપાસના સાથે બ્રહ્નચર્ય, ઉપવાસ કે ફળાહાર કે એકટાણું કરી શકાય છે. ખાસ કરીને સદાચરણનું ખાસ મહત્વ છે.

પૂજા-ઉપાસનાની સાથે સત્સંગ કે સત્ શ્રવણનું પણ મહત્વ છે ત્યારે આ દિવસોમાં રુદ્રી પાઠનું શ્રવણ કે શિવ મહાપુરાણનું વાચન કે શ્રવણ કરી શકાય છે. આ માસ દરમિયાન બિલ્વાષ્ટકમ્, રુદ્રાષ્ટકમ્, શિવપંચાક્ષર સ્તોત્ર કંઠસ્થ કરવાનો પ્રયત્ન પણ ઉત્તમ માનવામાં આવ્યો છે.

No comments:

Post a Comment